પાવી જેતપુર તાલુકાના નાનીબેજ ગામમાં નાળું તૂટી જતાં અંતિમયાત્રાને કોતરમાં પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી છે. પાવી જેતપુરમાં નાનીબેજ ગામના હોળી ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ રૂપાભાઈ નાયકાનું આજે નિધન થઈ જતાં તેઓની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, રસ્તામાં આવતા ઝીમટી કોતર ઉપરનું નાળું થોડા સમય પહેલા તૂટી ગયું હતું, જેને કારણે અંતિમયાત્રા કોતરના ઘૂટણસમા પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી હતી. આ નાળું તૂટી જવાના કારણે આ વિસ્તારના લોકોને દરરોજ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નાળું ચાર વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યું છે તેમ છતાં નાળું તૂટી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.