ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કોંગ્રેસના સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો. આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેમાં પાર્ટી કોંગ્રેસના સમાપન સમારોહ દરમિયાન ગ્રેટ હોલની અંદર રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન લી કેકિયાંગની બાજુમાં હુ જિન્તાઓ બેઠેલા દેખાય છે. એટલામાં બે લોકો આવે છે અને એક વ્યક્તિ તેમને ઉઠવાનું કહે છે. હુ જિન્તાઓએ ત્યાંથી ઉઠીને જવાનો વિરોધ કર્યો પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી. હુની નિવૃત્તિ પછી શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા અને હવે સમગ્ર વિશ્વમાં તેમના અપમાનને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હુ જિન્તાઓ હવે 79 વર્ષના છે અને લાંબા સમયથી બીમાર છે. વીડિયોમાં દેખાય છે કે હુ જિન્તાઓ તેમને લેવા આવેલા લોકો સાથે ટૂંકી વાત કરે છે. દરમિયાન પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય લી ઝાંશુનો હાથ હુની પીઠ પર છે. ત્યારબાદ તે તેમને ઉઠાવવા આવેલા લોકોની મદદથી ખુરશી પરથી ઉઠે છે. આ વ્યક્તિ તેમના ખભા પાસે હાથ વડે પકડી રાખે છે, ત્યારે જ બીજો વ્યક્તિ પણ આવે છે. હુ જિન્તાઓ બંને લોકો સાથે ટૂંકમાં વાત કરે છે અને શરૂઆતમાં તો તેઓ ત્યાંથી જવા માંગતા નથી.